નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી…..ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ ગઈ….! તાણી તૂસીને બચાવેલી રકમમાંથી મા થોડો મોહનથાળ ને સુખડી કરતી ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક એલચી ન મળે પણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી.
એટલે જ તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતાં….
ને મા સમજાવતી, ‘બેટા, એમ થોડું ખવાય હરતાં ફરતાં….?’
આજે જુદા જુદા રંગની…. જુદા જુદા પ્રાંતની…. નામે ય ન આવડે એવી આઠ-દસ મિઠાઈનાં બોક્સ ફ્રિજમાં પડ્યાં પડ્યાં ઠરે છે, અને હરતાં ફરતાં એની સામે જોતાં જઈએ છીએ તો પણ હવે મોંમાથી નાનપણ જેવી તીવ્ર ઈચ્છાનું પાણી ક્યાં ઝરે છે…!?
ધનતેરસે સુંવાળી વણતાં વણતાં મા, બેસતા વરસે કોણ કોણ આવશે તેની યાદી કરાવતી પછી કોનું સ્વાગત કઈ રીતે કરશું –
એવા ઉમળકાના ચોસલા પાડતી.
કોઈને ગરમ નાસ્તો ને કોઈને કોરો કોઈને ચા કે શરબત ને બાળકોને દૂધનો કટોરો એના જર્જરિત થઈ
ગયેલા નાના પર્સના છેલ્લા સિક્કા સુધી અકબંધ રહેતો માનો મોંઘેરો ઉમંગ ક્યાંથી લાવવો…?
આજે પાંચ દિવસની રજામાં ‘આઉટ ઑફ સ્ટેશન’નું આયોજન કરી એ બધીયે ‘ઝંઝટ’માંથી છૂટવા મથતી આપણી વૃત્તિ પર એ રંગ કેવી રીતે ચડાવવો….?
બોનસ, ડી.એ. ડિફરન્સ કે એરિયર્સ… કશું જ નહીં. માની ત્રણ મહિનાની બચત ને પપ્પાના બે મહિનાના ઓવરટાઈમમાંથી દિવાળી કરવાની પણ તો ય કોઈ બેરિયર્સ નહીં….
દિવાળીની રાત્રે જાતે ધોઈને…. હાથ દઈને ગડી કરી ગાદલા નીચે મૂકી ને ઈસ્ત્રી કરાયેલો ड्रेस બેસતા વર્ષે વટભેર પહેરવાનો જે આનંદ હતો, તે આનંદ આજે રંગબેરંગી કપડાંથી ઠાંસોઠાંસ ભરેલા વૉર્ડરોબમાં ક્યાંय સંતાતો ફરે છે –
ખરેખર…. આપણે મોટાં થઈ ગયાં…. અને આપણી દિવાળી નાની થઈ ગઈ….!!
No comments:
Post a Comment