Wednesday 20 May 2015

મૂલ્યવાન અભિપ્રાય

એક ચિત્રકારે પોતાના ગુરુ પાસેથી ઉત્તમ ચિત્રો બનાવવાની વિદ્યા મેળવી. ત્યાર બાદ એણે સૌપ્રથમ વખત પોતાની જાતે એક ચિત્ર બનાવ્યું, અને એ ચિત્ર કેવું બન્યું છે એ જાણવા એક સરસ આઈડિયા એણે અમલમાં મુક્યો. એ એક સવારે શહેરના એક ભીડભાડવાળા ચોકમાં ગયો અને ત્યાં પોતાના ચિત્રને ગોઠવી દીધું. બાજુમાં એક બોર્ડ મુક્યું, "મિત્રો, મેં મારા ગુરુજીના આશીર્વાદ સાથે પહેલી વખત જાતે ચિત્ર બનાવ્યું છે. આપ સૌ એને નિહાળો અને આપને એમાં જે જગ્યાએ જે કંઈ પણ ખામી દેખાય ત્યાં એક નાનકડી ચોકડી કરી દેશો. હું આપના મૂલ્યવાન અભિપ્રાય દ્વારા મારી કાબેલિયતને ઔર નિખારવાની કોશિશ કરીશ."
સાંજે એ ફરીથી એ જગ્યાએ ગયો, અને જોયું તો આખું ચિત્ર ચોકડીઓથી ભરેલ હતું. સેંકડો લોકોએ એના ચિત્રમાં અસંખ્ય ખામીઓ બતાવી હતી. ચિત્રકાર તો નિરાશ થઇ ગયો અને ગુરુજી પાસે જઈને બધી વાત કરી. એની વાત સાંભળીને ગુરુજી તો હસી પડ્યા, અને કહ્યું, "ચિંતા ન કર, આવતીકાલે હું કહું એમ કરજે."
બીજે દિવસે સવારે એ ચિત્રકાર એ જ ચિત્ર લઈને એ જ ચોકમાં ગયો અને ત્યાં ચિત્ર ગોઠવ્યું. પણ આ વખતે ગુરુજીના કહેવા પ્રમાણે બોર્ડ મુક્યું, "મિત્રો, આપ મારું બનાવેલું ચિત્ર નિહાળો અને એમાં આપને જે કંઈ ત્રુટિ દેખાય એને બાજુમાં મૂકેલ રંગ અને પીંછી વડે આપના હાથે સુધારી આપશો તો આપની મહેરબાની હશે." આવું બોર્ડ મુકીને બાજુમાં રંગ, પીંછી વગેરે સામાન રાખીને એ ત્યાંથી ચાલ્યો ગયો.
સાંજે એ ફરીથી ત્યાં ગયો, અને જોયું તો એની આંખો આશ્ચર્ય સાથે પહોળી થઇ ગઈ. એણે મુકેલ ચિત્ર જેમનું તેમ જ, કોઈ પણ ફેરફાર વગર ત્યાં પડ્યું હતું!!
સાર: 1
ટીકાઓ કરવી સહેલી છે. કોઈ પણ આલતુ ફાલતું ચપડગંજુ કોઈની પણ ભૂલો સહેલાઈથી બતાવી શકે છે, આસાનીથી સલાહો આપી શકે છે. પણ પાનના ગલ્લે ઉભા રહીને સચિનની બેટીંગનું વિશ્લેષણ કરનારને બેટ પણ સરખું પકડતા ન આવડતું હોય એવું બને. એટલે જ, લોકોની ઝાટકણીથી નિરાશ ન થવું. જે સારા લાગે, સ્વીકાર્ય લાગે એવા સૂચનો સહર્ષ અપનાવવા, બાકી મોટા ભાગના લોકો 'કહેવા'માં જ ઉસ્તાદ હોય છે, 'કરવા'માં નહી!
સાર: 2
જો તમે નેગેટીવ ઓપીનીયન સ્વીકારવા તૈયાર ન હોય, તો કોઈ પાસે ઓપીનીયન માગવા જ ન જવું. 

No comments:

Post a Comment